બિરબલનો પુસ્તક પ્રેમ
ઘણા સમય પહેલાંની વાત છે. દિલ્હીના બાદશાહ અકબરનો જન્મદિવસ નજદીક આવતો ગયો તેમ તેમ રાજ્યમાં ખુશીની લહેરો દોડવા લાગી હતી. હા, બાદશાહ અકબરના જન્મદિવસે રાજ્યભરના નાગરિકોને અન્નદાન, વસ્ત્રદાન આપવામાં આવતું હતું. આથી નગરજનો આ આનંદના અવસરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
પરંતુ બાદશાહ અક્બરના રત્નસમાન ચતુર બિરબલના મનોજગતમાં કંઈક જુદી જ યોજના આકાર લેવા લાગી. હા, આ વખતે જો બાદશાહ અકબરના જન્મદિવસે અન્નદાન, વસ્ત્રદાનના બદલે આજીવન કામમાં લાગે એવા ઉપયોગી-કિંમતી પુસ્તકો જો તેઓને ભેટ આપવામાં આવે તો ? બસ, આવો ઉમદા, શ્રેષ્ઠ વિચાર આવતાં જ ચતુર, જ્ઞાની બિરબલ તુરત બાદશાહ પાસે પહોંચી ગયા અને તેમણે આ ઉમદા વિચાર તેઓની સમક્ષ રજૂ કર્યા. આ સાંભળી જ્ઞાની બાદશાહ પણ ખુશ થઈ ઉઠ્યા. હા, અન્નદાન, વસ્ત્રદાન તો ક્ષણિક જ ટકી રહે છે. જ્યારે જ્ઞાનદાન, પુસ્તકદાન તો આજીવન ટકી રહે છે હોં ? આવો શ્રેષ્ઠ વિચાર આવતાં જ બાદશાહ અક્બર પીઠ થાબડતાં બોલી ઊઠયા, ‘બિરબલ, શ્રેષ્ઠ વિચારનો અમલ અને તેની કાર્યવાહી તારે જ કરવાની છે. બીજું, દેશભરમાંથી જ્ઞાનવર્ધક તેમજ જુદી જુદી ભાષાનાં પુસ્તકો મેળવી તેનું આપણા રાજ્યમાં પ્રદર્શન યોજી યોગ્ય વ્યક્તિને યોગ્ય પુસ્તક તારે તેમને ભેટ આપવાનાં રહેશે. બરોબર ?’ આ સાંભળી બિરબલના આનંદનો કોઈ પાર ન રહ્યો. અને પછી બીજા જ દિવસથી બિરબલે દેશભરમાંથી પ્રસિધ્ધ થતાં સારા સારા ઉત્તમ લેખકોનાં પુસ્તકોની યાદી બનાવવાની શરૂ કરી દીધી.
દેશ-વિદેશના લોકો દિલ્હીના દરબારમાં તેમનાં કિંમતી, અલભ્ય, પુસ્તકોની યાદીઓ લઈને ઊતરી પડ્યા. હા, આ વખતે બાદશાહની વિચારસરણી કંઈક જુદી જ હતી. તેમના રાજ્યમાં જ્ઞાનવર્ધક કાર્યો થઈ રહ્યાં હતાં. બિરબલે તેમજ તેની ચુનંદી ટીમે દરેક વિષયનાં અને જુદી જુદી ભાષાનાં ઉત્તમ લેખકોનાં પુસ્તકોની યાદી બનાવવાની શરૂ કરી દીધી.
બાદશાહ અકબરનો શુભ જન્મદિન આવી પહોંચ્યો. રાજ્યમાં ચહલ-પહલ વ્યાપી ગઈ. આવી જ્ઞાનવર્ધક ઉજવણી તો ક્યારેય નહોતી થઈ, હોં. આથી નગરજનોમાં પણ જોમ, ઉત્સાહ પૂર્ણપણે વ્યાપી ગયો હતો. રાજ્યના ટાઉનહૉલમાં આધુનિક ઢબે જ્ઞાનવર્ધક પુસ્તકોનું પ્રથમ પુસ્તકપ્રદર્શન રાખવામાં આવ્યું. પુસ્તકોને પણ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવ્યાં હતાં. લેખક, વિષય પ્રમાણે કલાત્મક ગોઠવણી કરવામાં આવી હતી. પુષ્પો વચ્ચે વચ્ચે ગોઠવવામાં આવ્યાં હતાં. આસોપાલવના તોરણો, ફૂલોથી ટાઉનહૉલને સંપૂર્ણપણે શણગારવામાં આવ્યો હતો. બરોબર સવારના નવના ટકોરે બાદશાહ અક્બરે પુસ્તકપ્રદર્શન અને ભેટનું ઉદ્દઘાટન કર્યું. તે સાથે જ તાળીઓના ગડગડાટથી ત્યાંનું વાતાવરણ ગુંજી ઊઠયું.
બાદમાં બાદશાહ અક્બર સાથે બિરબલ, પ્રજાજનો, નાગરિકો, પુસ્તક-પ્રેમીઓ વગેરે પુસ્તકો નિહાળવાનો અલભ્ય લાભ લેવા લાગ્યા. આહ...? પુસ્તકો પણ કેવાં ? જ્ઞાનવર્ધક તેમજ દરેક આબાલ-વૃધ્ધ સૌ કોઈ માટેનાં વિવિધ વિષયો જેવાં કે બાળકો માટેનું રંગીન બાલસાહિત્ય, તો યુવાનો માટે રમત-ગમત, જનરલ નૉલેજનાં પુસ્તકો તેમજ વ્યાવસાયિક, શૈક્ષણિક પુસ્તકો હતાં. તો વૃધ્ધો માટેનું ધાર્મિક સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું.
આવું સુંદર મઝાનું આયોજન કરવા બદલ નગરજનો બાદશાહ અક્બરને ધન્યવાદ આપવા લાગ્યા. આ સાંભળી બાદશાહ અકબર બોલી ઊઠયા, ‘અરે નગરજનો, ધન્યવાદ મને નહીં હોં.’ નગરજનો આભા બનીને બિરબલને તેમજ બાદશાહ અકબરને જોઈ રહ્યા, હોં. આ બન્ને મહાનુભાવો નગરજનોની ચિંતા, ખેવનાના વિચારો કર્યા કરતા હોય છે, હોં.
બાદમાં પુસ્તકપ્રેમીઓને બાદશાહ અક્બર તરફથી પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં. આ જોઈ નગરજનો હર્ષથી ઝૂમી ઊઠયા. હા, ખરેખર આ વખતે બાદશાહ અકબરનો જન્મદિવસ પુસ્તક-ભેટથી ઉજવવામાં આવ્યો.
લેખક: શૈલેષ કે. રાયચુરા

