Saturday, October 1, 2011

‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક ઘા


તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

કાણાને

કાણાને કાણો નવ કહીએ
કડવા લાગે વેણ
હળવે રહીને પૂછીએ
શેણે ખોયા નેણ?

મૂળ રંગ

લાલ પીળો ને વાદળી
એ મૂળ રંગ કહેવાય
બાકીના બીજા બધાં
મેળવણીથી થાય

મૂળ રંગ

લાલ પીળો ને વાદળી
એ મૂળ રંગ કહેવાય
બાકીના બીજા બધાં
મેળવણીથી થાય

VARTA RE VARTA

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી

ધીરજ – ગાય


કાળી ધોળી રાતી ગાય.
પીએ પાણી ચરવા જાય,
ચાર પગ ને આંચળ ચાર,
વાછરડાં પર હેત અપાર.
પાછળ પૂંછડા પર છે વાળ,
તેથી કરે શરીરસંભાળ;
કાન શિંગ, બે મોટી આંખ,
પૂંછડાથી ઉડાડે માખ.
નરમ રુવાંટી લિસ્સું અંગ,
ગેલ કરે વાછરડાં સંગ.
દૂધ તેનું ધોળું દેખાય,
સાકર નાખી હોંશે ખાય,
દહીં માખણ ઘી તેનાં થાય,
તેથી બહુ ઉપયોગી ગાય.
          – ધીરજ

કૃષ્ણલાલ શ્રીધરાણી – કૂકડો


અમે તો સૂરજના છડીદાર
         અમે તો પ્રભાતના પોકાર ! … અમે
સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે
નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે
પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે
જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે
          – કૃષ્ણલાલ શ્રીધરાણી(

કૃષ્ણ દવે – શિક્ષણ ???


આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
         - કૃષ્ણ દવે

HODI HODI


ચાલોને રમીએ હોડી હોડી
ચાલોને, ચાલોને. – ચાલોને
વરસ્યોવરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી. – ચાલોને
બાપુનાં છાપાં નક્કામાં થોથાં
કાપીકૂપીને કરીએ હોડી. – ચાલોને
સાદી ને સઢવાળી, નાની ને મોટી
મૂકી પવનમાં છોડી છોડી. – ચાલોને
ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી. – ચાલોને
જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી, દોસ્ત ! મારી હોડી. – ચાલોને

HATHIBHAI


હાથી / Haathi
હાથીભાઇ તો
જાડા
લાગે મોટા
પાડા
આગળ ઝૂલે
લાંબી સૂંઢ…
પાછળ લટકે
ટૂંકી પૂંછ …
દીવાળીના દિવસોમાં,
ઘર ઘર દીવા થાય.
ફટાકડા ફટ ફટ ફૂટે,
બાળક મન હરખાય .

CHHUK CHHUK GADI


પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.
જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી -
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.
મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …
          – અવિનાશ વ્યાસ

GUJARATI KAHEVATO

- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
- આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
- વારા ફરથી વારો અને મારા પછી તારો.
- વઘારેલી ખીચડી દાઢે વાળગી.
- ન બોલવામાં નવ ગુણ.
- બોલે એના બોર વેચાય.
- કાગડો દહીંથરુ લઇ ગયો.
- વિદ્યા વિનય થી શોભે છે.
- સાહસ વિના સિદ્ધિ નથી.
- કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
- વાંદરા ને સીડી ના અપાય.
- કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
- ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
- નામ છે એનો નાશ છે.
- કુવામાં હોય તો હવાડા માં આવે.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
- મોર ના ઇંડા ચીતરવા ના પડે.
- જેવો દેશ તેવો વેશ.
- જેવો સંગ તેવો રંગ.
- જેની લાઠી એની ભેંસ.
- જેવું વાવો તેવુ લણો.
- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
- સો વાત ની એક વાત.
- દુર થી ડુંગરા રળિયામણા.
- મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
- સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.